• 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12

માઁ ભગવતી ઉપાસનાનું મહાત્મય

ભગવતી શ્રી પરામ્બાની શ્રી મુખવાણી જે સર્વપ્રથમ જલસૃષ્ટિમાં ભગવતીએ વડના પાન ઉપર સર્જેલા શ્રી ભગવાન બાલમુકુંદે પ્રાપ્ત કરી. જે બ્રહ્મા અને નારદ દ્બારા માનવસૃષ્ટિમાં વિષ્ણુના અંશાવતાર વિશાલ બુધ્ધે શ્રી વેદવ્યાસને પ્રાપ્ત થઇ. એ જ છે શ્રીમદ્‌ દૈવી ભાગવત. જેના અનુપાને વેદ, ઉપનિષદ અને અન્ય પુરાણોનું પરમજ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. સાકાર—નિરાકાર બ્રહ્મનું ચિંતન કરાવ્યું.

જીવાત્માને મોક્ષની પરમ ગતિ પ્રાપ્ત કરવા માટે જીવનનાં મુખ્ય ચાર ધ્યેય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ તત્વને પ્રત્યેક જીવાત્મા પોતાની ભકિત અનુસાર પ્રાપ્ત કરી શકે છે. જગતના જીવમાત્રનું અંતિમ લક્ષ પરમ શાંતિની છાયા હોય છે. કિન્તુ કેટલી વાર યુગબળ તથા મનુષ્યના જીવનનું કર્તવ્ય એ છાયાથી વિમુખ કરે છે, ત્યારે યુગબળથી હારેલા જીવામ્તાને માટે શાંતિનું પરમ ધ્યેય સિદ્ધ કરવા માટે માતાજીની ભકિત એક નિશ્ચિત ધ્યેય સૂત્ર બની જાય છે.

માતાજી વિશ્વનારાયણી રૂપે આ સ્થૂલ જગત પર અનેક ધર્મ સ્વરૂપે વિચરી રહી છે. એક જ નિરંજન નિરાકાર મહાશકિતને કોઇ બ્રહ્મ, કોઇ તત્વ અથવા શકિત આવા અનેક સ્વરૂપે કલ્પે છે, પરંતુ સાકાર નિરાકારની કલ્પનાના મંથનમાં ૠષિઓ, તપસ્વીઓ અને છેવટે યુગદૃષ્ટાઓ પણ મૂંઝાયા છે. નિરાકાર બ્રહ્મથી સૃષ્ટિ ઉપર સાકાર સ્વરૂપે અવતાર ધારણ કરી ચૂકેલા અવતારોમાં પણ ભગવતી પરામ્બાની સાકાર સ્વરૂપમાં સ્તુતિ, પૂજા વગેરે કરેલ છે. વિષ્ણુના અવતારમાં પણ વિષ્ણુએ અવતારમાં પણ વિષ્ણુએ પૃથ્વી પર રહીને ભગવતી પરામ્બાની સ્તુતિ અને ઉપાસના કરી છે.

સ્વયમ્‌ ભગવાન વિષ્ણુએ પણ વિષ્ણુ સ્વરૂપમાં મધુ—કૈટભના ત્રાસથી મુકત થવા યુદ્ધ કરતાં ભગવતીની પ્રાર્થના કરી છે. દૈવી ભાગવતના પ્રથમ સ્કંધમાં વિષ્ણુની સ્તુતિ ભગવતીનું પૂર્ણ સામર્થ્ય અને બ્રહ્મશકિતનું એક અદ્ધૈત સ્વરૂપ વર્ણવ્યું છે. વિષ્ણુ ભગવાન પોતે જ પોતાનાં કરતા ભગવતીને શ્રેષ્ઠ ભાવે અર્થાત્‌ પોતાની જનનીના ભાવે સ્તુતિ કરે છે એ અત્રે સમજાય છે :

ન તે રૂપં વિજાનામિ સગણું નિર્ગુણં તથા ।
ચારિત્રાણિ કુ તો દેવી સંખ્યાતીતાનિ યાનિ તે ।। ૪૧ ।।

હે મા! હું સગુણ કે નિર્ગુણ સ્વરૂપને જાણતો નથી, તો હે દેવી! તારામાં જે અસંખ્ય ચરિત્રો છે તેઓને હતો હું ક્યાંથી જાણું?

આ વિચારતા ભગવતીના સ્વરૂપો પૂર્ણ વર્ણવવા માટે સમર્થ નથી એ નિર્વિવાદ હકીકત છે. પરંતુ દેવતાઓને પણ પ્રાપ્ત થયેલા સુખો મનુષ્યો પણ માતાજી રૂપી શકિતની આરાધનાથી પ્રાપ્ત કરી શકે છે. શકિત પૂજા તત્વને આ યુગમા ચમત્કાર દૃષ્ટિથી નહી જોતાં શ્રદ્ધા અને ભકિતની દૃષ્ટિએ જોઇએ તો ભગવતીની ઉપાસના અકલ્પ્ય સુખને પ્રાપ્ત કરાવનારી છે. મનુપુત્ર સુદ્યુમ્ન રાજા સ્ત્રીપણાને પામતાં "ઇલા" બન્યો અને એ જ ઇલા છેવટે ભગવતીની સ્તુતિથી સ્ત્રીપણાના શાપમાંથી મુકત થઇ. ઇલા સ્તુતિમાં ભગવતીનું સાચું સ્વરૂપ વર્ણવી રહી છે, આપણે વિચારીએ તો શકિતનું કાંઇક રહસ્ય ઘટસ્ફોટ થાય. આ શ્લોક એ જ સમજાવે છે :

ત્વં નાપુમાત્ર ચ પુમાનિતિ યો વિકલ્પો ।
યા કાડસિ દેવી રાગુણાનનું નિર્ગુણા વા ।।

તાં ત્વાં નમામિ સતતં કિલં ભાવયુકતો ।
વાંચ્છામિ ભકિતમચલાં ત્વયિ માતર તે ।। ૫૧ ।।

ભગવતીની ઉપાસના સર્વમાન્ય છે, તે નિર્વિવાદ છે. બ્રહ્મા, વિષ્ણુ ને શિવજીએ સ્ત્રીપણાને પામી ભગવતીની સ્તુતિ કરી છે. તે સ્તુતિ બ્રહ્મ અને શકિતના સામ્યાવસ્થા સ્વરૂપનું દર્શન કરાવે છે. શ્રીમદ્‌ દેવી ભાગવતમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવને સ્ત્રી સ્વરૂપમાં બતાવી શ્રી ભગવતીએ સ્વયં આપણને બ્રહ્મ અને શકિતનું ઐકય સમજાવ્યું છે. દરેકમાં વિષ્ણુનાં કાર્યો દૃષ્ટિગોચર થાય છે, પરંતુ વાસ્તવમાં તો વિષ્ણુ, બ્રહ્મા કે શિવમાં રહેલી શકિત પોતે જ આ કાર્ય કરે છે.

જેમ સ્થૂળ દેહમાં આત્મા ન હોય તો દેહ નશ્વર છે પરંતુ આત્મતત્વ રૂપે શ્રીમાઇદેહમાં બિરાજે છે અને દેહ દ્બારા કાર્ય કરે છે. આપણે દેહધારી છીએ. પંચતત્વના શરીરમાં માયાના બંધનથી બંધાયેલા છીએ. જેથી આપણે માત્ર દેહના કાર્યને જોઇને દેહને મહત્વ આપી દઇએ છીએ, પરંતુ આત્મતત્વની ઓળખ કરનારા દેહને મહત્વ આપતા નથી. શું આત્મતત્વ વગરનો દેહ કાર્ય કરવા સમર્થ બને ખરો? તો દેહથી થયેલાં કાર્યો એ આત્મશકિતથી જ થયાં છે એ જેમ નિર્વિર્વાદ છે, તેમ વિષ્ણુ, બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિ કોટિ દેવતાઓથી થયેલાં સર્વે કાર્યો જે વ્યાસના બુદ્ધિકૌશલ્યથી લીલા સ્વરૂપે અઢારેય પુરાણોમાં અને ચારેય વેદોમાં ૠગ્વેદ, અથર્વવેદ, સામવેદ, યજુર્વેદમાં વર્ણવાયાં છે એ સર્વમાં લીલા કરનાર દેવતાઓના દેહમાં રહેલી ગુણરહિતા, શ્રી માઇની અદ્બૈત શકિતની પરમ દયા છે. દૈવી ભાગવતમાં જ નહીં પરંતુ અઢારેય પુરાણોમાં થયેલ સમગ્ર લીલા એ ભગવતીની જ કૃપાનું કારણ છે. કિન્તુ જનની પોતાના ઉદરમાં ગર્ભને કાલ પર્યંત સાચવે છે અને જન્મ પછી બાળક જનનીથી વિખૂટું પડતાં જેમ જનનીને પોતાનાથી તુચ્છ માને તો જનની તદબાળકને તેના દેહમાંથી પિંડમાં રૂપાંતર કરતી નથી. પરંતુ એ બાળકના અવગુણોને અપરાધની દૃષ્ટિથી નહીં જોતાં અક્ષમ્ય ક્ષમ્ય કરે છે. તેમ પુરાણોમાં જ્યારે જ્યારે ટીકાકારોએ ટીકા લખી ત્યારે શકિતના સ્વરૂપને માત્ર પ્રકૃતિની જ દૃષ્ટિથી જ જો વિચારી હશે તો ત્યાં માત્ર શકિતનું સ્થૂળ વર્ણન દૃષ્ટિગોચર થશે. કિન્તુ શકિત એ માત્ર જડ બ્રહ્મમાં રહેલી કોઇ સંહારક તત્વ નથી, પરંતુ તે વિશ્વ—જનની છે. એ ભાવે જ શકિત હોવાથી આવશ્યક છે. પછી તો શંકરાચાર્યની એક પંકિત "કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવતિ" આ અનુસાર ભગવતીએ સર્વ કાર્ય કર્યું. બીજા સ્કંધમાં મહાભારત યુદ્ધ પછી વ્યાસે કેલી સ્તુતિ ભગવતીના સાચા સ્વરૂપને વર્ણવે છે :

યા ન વેદ્યા ન ચ વિષ્ણુરીશ્વરા ।
ન વાસવો નૈવ જલાધિપસ્તથા ।।

ન વિત્તપો નૈવ યમશ્વ પાવક— ।
સ્તદાડસિ દેવિ ત્વમંહ નમામિતામ્‌ ।।

હે મા! જ્યારે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, ઇન્દ્ર, વરુણ, કુબેર, યમ તથા અગ્નિ પણ ન હતા ત્યારે તમે કેવા હતાં. તેવા તમને નમસ્કાર કરું છું.

આ જોતાં શ્રી ભગવતી જગદંબાને વેદવ્યાસે ખૂબ જ દીર્ધ વિશુદ્ધ જ્ઞાનદૃષ્ટિથી વર્ણવ્યાં છે. જેથી આપણને મતમતાંતરોમાં નહીં લઇ જતાં અદ્બૈત ભકિતમાર્ગે ગમન કરાવ્યું છે. શ્રી જગદંબાની સ્તુતિ કરવી કે કેમ? કારણ કેટલાંક માનવોનું મંતવ્ય છે કે, મોક્ષની પ્રાપ્તિ માટે ભગવતીની ભકિત કે સ્તુતિ કાંઇ મોક્ષ અપાવતી નથી. એ મહાનુભવો અહીંયા ગોથું ખાય છે. જેની સ્તુતિ બ્રહ્મા, વિષ્ણુ અને શિવે પ્રકૃત્તિ સ્વરૂપ ધારણ કરીને કરી છે. એની સ્તુતિ, એની કૃપા એ જ મોક્ષનું મહાકારણ છે. ભગવાન શ્રી વિષ્ણુ જ ત્રીજા સ્કંધમાં કહે છે કે,

નમો દેવિ મહાવિદ્યે નમામિ ચરણૌ તવ ।
સદા જ્ઞાન પ્રકશં મે દેહિ સવાર્થ દે શિવે ।।

આ જોતાં ભગવતી માટેના વિવાદાસ્પદ વિવેચનો નહીં કરતાં ભગવતીની ભકિત એ અન્યની ભકિત માફક સર્વશ્રેષ્ઠ ભાવે જ કરવી એ યોગ્ય છે.

ભગવતી ભાગવતના બ્રહ્મા, વિષ્ણુ, શિવની જેમ આપણે પણ સ્તુતિ કરી શકીએ છીએ. "મા" કેવળ દેવ—જનની નથી, પરંતુ વિશ્વજનની છે કારણ કે... દેવ, દાનવ, માનસવોએ ભગવતી ભાગવતમાં ભગવતીની સ્તુતિ કરી છે. હયગ્રીવ જેવો અસુર સ્તુતિ કરે છે અને ભગવતી માહેશ્વરીએ હયગ્રીવ ઇચ્છિત વરદાન આપ્યું છે હયગ્રીવનો ભાવ આ શ્લોકમાં પ્રગટે છે.

નમો દેવ્યૈ મહામાયે સૃષ્ટિસ્થિત્યન્ત કારિણી ।
ભકતાનુગ્રહ ચતુરે કામદે મોક્ષદે શિવે ।। ૯૩ ।।

આથી માના વિશાળ વિશ્વમાતૃત્વનો ભાવ સિદ્ધ થાય છે. અન્ય અવતારોએ પણ ભગવતીની સ્તુતિ કરી છે. વળી પૃથ્વી પર દેવતાઓના તથા વિશ્વ કલ્યાણ માટે દેવોએ પાપનાશ કરવા ભગવતીની પ્રાર્થના કરી છે :

માતર્નતાઃ સ્મ ભુવનાર્તિ હરે પ્રસીદ ।
શં નો વિદેહિ કુરુ કાર્યમિંદ દયાર્દ્રે ।।
ભાર હરસ્વ વિનિહત્ય સુરારિવર્ત્રં ।
મહ્યા મહેશ્વરિ સતાં કુરુ શંભવામિ ।। ૧૪ ।।

યદ્યંબુજાક્ષિ દ્ધયસે ન સુરાન્કાચિ ।
ત્કિં તે ક્ષમા રણમુખેડરિશરેઃ પ્રહર્તુમ્‌ ।।
એ તત્વમેવ ગદિતં નનુ યક્ષ રૂપં ।
ધૃત્વા તુણાં દહ હુતાશપદાભિલાપૈ : ।। ૧૫ ।।

આથી ભગવતીએ સમગ્ર પૃથ્વીનો પાપભાર પણ દૂર કર્યો છે. વિષ્ણુના અવતારોમાં શ્રી રામચંદ્રજીએ ભગવતીની ઉપાસના કરી અને રાવણ જેવા અસુરનો સંહાર કર્યો.

કૃષ્ણાવતારમાં કૃષ્ણને પૃથ્વી પર ઉપસ્થિત થતાં પહેલા ભગવતી પોતે નંદગૃહે પ્રગટયાં અને તદ્‌ જગદંબાએ જ કૃષ્ણની રક્ષા કરવા અવતાર લીલા ધારણ કરી. શકિતના પ્રાદુર્ભાવ પછી જ કૃષ્ણાવતાર થયો છે. અન્ય અવતારો કરતાં શ્રી કૃષ્ણ અવતારને માનનાર ગ્રંથો વિશેષ હશે જ. પરંતુ શ્રીકૃષ્ણના પૂર્ણપણા પાછળ ભગવતીની મહદ્‌ કૃપાનું જ ફળ છે. જેમકે, શ્રી કૃષ્ણની અષ્ટ પટરાણી તેમાં શ્રી રાધાજીને સ્થાન નથી. પરંતુ જગતમાં રાધા—કૃષ્ણ શબ્દ જેટલો પ્રચલિત થયો એટલે અષ્ટ પટરાણીમાં કોઇનો પ્રચલિત થયો નથી, તેમ કોઇનું એટલું સ્થાન પણ નથી. રાધા એ શકિતનો અવતાર હતી અને આજે પણ વૃંદાવનવાસીઓ કહે છે કે, "બિના રાધે શ્રીકૃષ્ણ આધે". શું રાધા વિના શ્રીકૃષ્ણનું અસ્તિત્વ કલ્પી શકાય છે? છતાંય એ કૃષ્ણને પારધીના હાથે બાણ વાગવાથી મૃત્યુનું દુઃખ ભોગવવું પડે છે. પૂર્ણને મૃત્યુ હોય ખરું? શ્રીમદ્‌ દેવી ભાગવતમાં કૃષ્ણનું સાચું સૌમ્ય સ્વરૂપ ઉપસ્થિત થાય છે. શ્રી કૃષ્ણે પ્રદ્યુમ્નના હરણ થઇ ગયા પછી ભગવતીની સ્તુતિ કરી છે. તદ્‌સ્તુતિમાં બળદેવના જન્મનું કારણ બતાવ્યું છે.

ચિત્રં નનેઙત્ર પુરતો મમ માતુગર્ભા ।
ભીતત્વસ્ત્વશ્રયઙર્ધમ સમયે કિલ માયયાઙસૌ ।।

યં રોહિણી હલધરં સુષુવે પ્રસિદ્ધં ।
દૂરે સ્થિતા પતરા મિથુનં વિનાઙપિ ।। ૫૩ ।।

જેથી શ્રીકૃષ્ણ ભગવતીના જ પરમ ભકત હતા. કદાચ કાળે કરી શ્રી શ્રી કૃષ્ણભકિતમાં શકિતની ઉપાસના ગૌણ ગણાઇ હોય તો દોષ સંપ્રદાયના આચાર્યને માથે જ છે.

ભગવાન શ્રીકૃષ્ણે ભગવતી કૃપા વારંવાર પ્રાપ્ત કરી છે એ શ્રી ભાગવતમાં વારંવાર સિદ્ધ થાય છે. સાથે જગદંબાને દેવ, દાનવ માટેનો વિશ્વવ્યાપી તટસ્થ ન્યાય ત્યાં પ્રસિદ્ધ થાય છે.

દૈવી ભાગવતના સાતમા સ્કંધમાં દેવોએ સ્તુતિ કરી છે. તેઓ જ કહે છે :

નમસ્તે ભુવનેશાનિ નમસ્તે પ્રણવાત્મિકે ।
સર્વ વેદાન્ત સંસિદ્ધ નમો ર્હ્રીંકાર મૂર્તયે ।।

આ રીતે ભગવતી જગંદબા માત્ર કોઇ પ્રકૃતિ જ નથી પરંતુ એ સ્વયં બ્રહ્મ છે, કારણ? પૂર્ણ પોતાની ઇચ્છાથી બધું કરી શકે છે અને એ જ પૂર્ણ શકિત બ્રહ્મની કૃપાથી જ સૃષ્ટિ રચાઇ છે. સૃષ્ટિની રચના પછી કદાચ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ અથવા ઇન્દ્ર, અગ્નિ કે વરુણાદિ દેવતાઓ આપણી દૃષ્ટિમાં, સૃષ્ટિમાં, પૂર્ણ દેખાતા હોય પરંતુ જ્ઞાનદ્દષ્ટિએ વિચારીએ તો માત્ર ભગવતી જ આ કાર્ય કરે છે અને યશ આ સ્વરૂપોને આપે છે. કારણ? શકિત તો સર્વ કાર્યમાં મુખ્ય છે, પરંતુ અગોચર, અગમ્ય હોવાથી સૃષ્ટિમાં પાલન, સંહાર, સૃજન કે અન્ય કાર્યોમાં આ દેવતાઓ મુખ્ય દેખાય છે. એથી શકિત ગૌણ તો નથી જ.

શ્રી વિષ્ણુ જલસૃષ્ટિમાં શેષનાગ પર ધ્યાનસ્થ છે. બ્રહ્મા ચતુર્મુખે કમલાસન પર ધ્યાનસ્થ છે. શિવ કૈલાશમાં ધ્યાનસ્થ છે. આ જ મોટું પ્રસિદ્ધ પ્રમાણ છે કે આ ત્રિગુણાત્મક દેવતાઓ પોતે પોતાનું ધ્યાન નથી ધરતા પરંતુ પોતાની જનની—વિશ્વનિયંતા ભગવતીનું જ ધ્યાન ધરે છે. આથી આ ત્રિગુણાત્મક દેવતાઓ કે તેના થયેલા અવતારના ભકતો પણ જગદંબાના જ ભકતો છે. જગદંબાની ભકિત એ મોક્ષનું કારણ છે. મોક્ષની દાતા, ભકિત, મુકિતપ્રદાયિની જગદંબા પોતે જ છે. આથી જગદંબાની ભકિત, માત્ર વૈભવ આપનારી છે. અર્થાત્‌ ચમત્કારો આપનારી છે. એ માત્ર શુષ્ક કલ્પના છે પરંતુ જેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું સર્જન કર્યું છે એ જ મોક્ષ આપે છે.

પ્રત્યેક યુગે યુગે પરિવર્તન થયાં. સાથે સનાતન ધર્મમાં અનેક સંપ્રદાયો ઉદ્‌ભવીને લય થઇ ગયા છે. જ્યારે જ્યારે જે સંપ્રદાયનું સમાજ ઉપર વિશેષ સામર્થ્ય રહ્યું ત્યારે ત્યારે તે સંપ્રદાયના ગ્રંથો, પુરાણો, મહત્વના સ્થાને થઇ ગયાં. તેથી કરી અઢાર પુરાણોમાંથી માઁ ભગવતીનું કોઇ ભિન્ન ધ્યેય સિદ્ધ થતું નથી.

દેવતાઓ પછી સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માની આજ્ઞાથી પ્રજા સૃષ્ટિ સિદ્ધ કરવા શ્રી મનુએ ભગવતીની સ્તુતિ કરી છે. આ રીતે ભગવતી જગદંબા ભકિત અને મુકિતના દાતા છે તે મનુની સ્તુતિથી સિદ્ધ થાય છે. શકિત સ્વરૂપ પ્રચંડ હોવા છતાં એ મંગલકારી જ છે તે પણ મનુની સ્તુતિથી સિદ્ધ થાય છે. આથી શ્રી ભગવતીની ઉપાસનામાં રહેલો ભય દૂર થાય છે અને જ્ઞાનમાર્ગ ભકિતમાર્ગથી શ્રેષ્ઠ હોવા છતાં ભકિતથી જ પરમબ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તે શ્રીમદ્‌ દેવી ભાગવતમાં દેવો અને અને અન્યની સ્તુતિઓથી સિદ્ધ થાય છે.

જેથી પ્રથમ દ્દષ્ટિએ ભાગવતને એક ગ્રંથ તરીકે અર્થાત્‌ એક પુરાણ તરીકે કેટલાક કલ્પી શકતા નથી. પરંતુ દેવી ભાગવતમાં નવમા સ્કંધમાં શ્રી નારદજીએ પૂછેલા પ્રશ્નોમાં સ્વયં ભગવાન નારાયણે પરાશકિત મહામાયા જગદંબાનું પ્રાધાન્યપણું સ્વમુખે વર્ણવ્યું છે. મનુસ્મૃતિમાં પ્રથમ અધ્યાયના દશમાં શ્લોક અનુસાર જળ ઉપર શયન કરનાર નારાયણ વર્ણવ્યા છે. જેથી સ્વયંમ્‌ નારાયણ પોતે ભગવતીનું પ્રાધાન્યપણું નારદને પોતાના સ્વમુખે જ સિદ્ધ કરી બતાવે છે. આથી વિશેષ ભગવતીના પ્રાધાન્યપણાને સિદ્ધ કરવા કયા પ્રમાણોની જરૂર છે?

કારણ ? જેમ નારાયણ તેમજ નારાયણી પણ નારાયણમાં રહેલી અદ્બૈત શકિત જ છે. પ્રથમ દ્દષ્ટિએ જોતાં શ્રી નારાયણ દ્દષ્ટિગોચર થાય છે. પરંતુ નારાયણી તે નારાયણમાં બ્રહ્મસ્વરૂપે બિરાજેલી છે. જેથી નારાયણીથી નારાયણનું અસ્તિત્વ છે. આથી દેવી ભાગવતમાં જ્યાં જ્યાં બ્રહ્મા, વિષ્ણુ કે શિવ દ્બારા થયેલા કાર્યોની પાછળ શકિતનું જ પ્રાધાન્ય છે, તે નિર્વિવાદ છે. આ રીતે સમસ્ત ભગવતી ભાગવતમાં વિશેષ બૌદ્બિક તર્કોથી નહી વિચારતા માત્ર અધ્યાત્મભાવે ભકિત શ્રદ્ધા દ્બારા આપણે ભાગવતનું પાન કરીશું તો જીવનનું અંતિમ ધ્યેય અવશ્ય સિદ્ધ થશે. પરંતુ જીવનનું પરમ સંકલ્પ સિદ્ધ કરવા માઇની પ્રાપ્તિનું એ અણમોલ સાધન છે.

સમસ્ત સંસારમાં વ્યાપ્ત એક જ તત્વ છે અને તે છે દેવી તત્વ અથવા શકિત તત્વ—ભગવતી! ભારતીય વેદકાળથી પરંપરાગત શકિતની પૂજા થાય છે અને આ શકિતના આધીન છે બ્રહ્મા—વિષ્ણુ—મહેશ અને શકિત વગર આ ત્રિકોણધારી મૃત સમાન છે. તેથી જ આમની શકિત ઇચ્છાને આધીન સર્જન, તારણહાર અને વિસર્જન થાય છે. શ્રી બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ તારે છે અને શ્રી મહેશ વિસર્જનનું કાર્ય કરે છે.

શાસ્ત્રો અને પુરાણોમાં શકિતના ત્રણ ચેતના સ્વરૂપો છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળી આ સ્વરૂપો તે પરાશકિતસ્વરૂપ છે. મહાલક્ષ્મી એટલે દ્બવ્ય શકિત, મહાસરસ્વતી એટલે જ્ઞાન શકિત અને મહાકાળી એટલે ક્રિયા શકિત.

માર્કંડેય પૂરાણાંતર્ગત સપ્તસતિમાં કે જેને આપણે ચંડીપાઠના નામે ઓળખીએ છીએ. તેમાં પ્રથમ, મધ્યમ અને ઉત્તમ ચરિત્રનો વિનિયોગ થાય છે.

ૐ પ્રથમ ચરિતસ્ય બ્રહ્મા ૠષિઃ । મહાકાલી દેવતા
ૐ મધ્યમ ચરિતસ્ય વિષ્ણુ ૠષિઃ । મહાલક્ષ્મી દેવતા
ૐ અસ્ય ઉત્તમ ચરિતસ્ય રુદ્ર ૠષિઃ । મહાસરસ્વતી દેવતા

આવી રીતે આ ત્રિશકિત સાથે બ્રહ્મા—વિષ્ણુ મહેશને ત્રિશકિતમાં દર્શાવ્યા છે.

વૈદિક ધર્મમાં પણ શકિત ઉપાસનાનું અજોડ અને બેહદ મહત્વ દર્શાવ્યું છે. આપણા દેશમાં કેટલાક શકિતપીઠોમાં જુદાજુદા સ્વરૂપે શકિતની પૂજા થાય છે અને આમાં આ શકિત તત્વ ભગવતીનો મહત્વનો ફાળો છે.

શિવપુરાણમાં શકિતનો ઉલ્લેખ કરાયો છે કે શકિતની ઉત્પત્તિ ભગવાન શિવમાંથી પ્રકટ થઇ છે. જ્યારે પ્રથમ શિવ અને શકિતનું સંયુકત સ્વરૂપ હતુ ત્યારે દેવતાઓ જ સર્જન થતા પણ આદેશ્વર સર્વેશ્વર શિવનું સંયુકત સ્વરૂપ દેવતાઓની વિનંતી જુદુ પડાયું એટલે શિવ અને શકિતને છુટી પાડયા બાદ સ્ત્રી અને પુરૂષના મિલનથી માનવની ઉત્પત્તિ થઇ અને સંસાર નિર્માણ થયો.

પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે દેવી દેવતાઓ, ૠષિમુનિઓને ત્રાસ આપનાર આસુરોનો સંહાર કરવા ચંડીકા દેવીનું પ્રાગટ્‌ય થયું. આ (આદ્યશકિતનું પ્રાગટ્‌ય) બ્રહ્મા—વિષ્ણુ—મહેશના મુખ તેમજ ઇન્દ્ર અને દેવોના શરીરમાંથી મહાતેજ નીકળ્યું. આ મહાતેજ, અપરિમિત તેજ પૂર્ણ રૂપે થતાં એક દૈવી સ્વરૂપ બન્યુ અને ચંડિકા દેવીનું પ્રાગટય થયું. આ આદ્ય શકિતનું પ્રાગટય મહિષાસુરમર્દિની, અંબિકા, ચંડિકા અને મહામાયા વગેરેના સ્વરૂપો છે.

યા દેવી સર્વે ભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા ।
નમોસ્તસ્યૈ નમોસ્તસ્યૈ નમોસ્તસ્યૈ નમો નમઃ ।।

યા દેવી સર્વે ભૂતેષુ શકિતરૂપેણ સંસ્થિતા ।
નમોસ્તસ્યૈ નમોસ્તસ્યૈ નમોસ્તસ્યૈ નમો નમઃ ।।

શકિત એ નિત્ય સ્વરૂપા છે. આ જગત તેનું સ્વરૂપ છે. સકળ વિશ્વમાં તે વ્યાપ્ત છે. એ નિત્ય અને અજન્મા છે. દેવોના કાર્ય સિદ્ધ કરવા તે વિવિધ પ્રકારે પ્રગટ થાય છે.

ભગવતી ભક્તિનું ફલ દર્શન

શ્રી સૂત અન્ય ઋષિઓને દર્શાવે છે કે, "દૈવી ભાગવત સ્વયં જગદંબાના મુખમાંથી પ્રથમ અર્ધા શ્લોકમાં, વડનાં પાંદડાં પર સૂતેલા વિષ્ણુને સંભળાવેલ હતું. તેનો બ્રહ્મદેવે પહેલાં સો કરોડ શ્લોકોથી મોટો વિસ્તાર કર્યો હતો. વેદવ્યાસે શુકદેવજી માટે તે જ ભાગવતનો સાર ગ્રહણ કરી બાર સ્કંધવાળું ને કુલ ૧૧૨ કથાઓવાળું શ્રી જગદંબાની કૃપાથી ભગવતીના ચરણકમળમાંથી અર્પાયું છે.

દૈવી ભાગવતનું સ્મરણ કરનાર, માતાજીના નવરાત્રીના વ્રત કરનાર તથા શકિતની આરાધના કરનાર સર્વે ભકતોને માતાજીના ચરણોમાં સ્થાન મળી, મણિદ્બીપમાં મોક્ષ મળે છે.

ભાઇશ્રી નો સંદેશો

 • 1
 • 2
 • 3
 • 4
 • 5
 • 6
 • 7
 • 8
 • 9
 • 10
 • 11
 • 12
 • 13
 • 14
 • 15
 • 16
 • 17
 • 18
 • 19
 • 20
 • 21
 • 22
 • 23
 • 24
 • 25
 • 26
 • 27
 • 28
 • 29
 • 30
 • 31
 • 32
 • 33
 • 34
 • 35
 • 36
 • 37
 • 38
 • 39
 • 40
 • 41
 • 42
 • 43
 • 44
 • 45
 • 46
 • 47
 • 48
 • 49
 • 50

ઘટનાઓ

ટૂંક સમયમાં આવશે

પુસ્તકો

વિડિઓ

દાન કરવુ

ફોટો ગેલેરી

ઓનલાઇન ખરીદી

અમને અનુસરો